વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. થોડા દિવસો પહેલા અહીં બે મહિલાઓના મૃતદેહની અદલા બદલીનો કેસ સામે આવ્યો હતો. હવે હોસ્પિટલની એક નર્સે છ મહિનાની બાળકીનો અંગૂઠો કાપી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. તાવ અને શરદીની ફરિયાદ બાદ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ ડિસ્ચાર્જ કરતી વખતે નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખ્યો હતો. આ મામલે પોલીસે ફરાર રહેલી નર્સ સોનાલી પટણી સામે ભારતીય દંડ સંહિતાની કલમ 377 પ્રમાણે ગુનો દાખલ કર્યો છે.

શહેરની વીએસ હોસ્પિટલ ની વધુ એક બેદરકારી સામે આવી છે. સોય કાઢવા જતા નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખતા પરિવારજનોમાં રોષનો માહોલ ઊભો થયો છે. ઘટના બાદ નર્સ ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ તંત્ર બાળકીને લઇ જવા દબાણ કરી રહ્યું છે.

નર્સ તેમજ પીડિત બાળકી

હોસ્પિટલ બચાવમાં: પરીવારજનોને હોસ્પિટલમાં કોઈ જવાબ નથી આપતું. માત્ર ટાંકા લઈ અને ઘરે જવા કહી દીધું. હોસ્પિટલ તંત્રએ હાથ અધ્ધર કરી દીધા. અહીંયા કોઈ સર્જરીની સુવિધા નથી માટે બીજી હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. હજી સુધી મ્યુનિ તંત્ર કે હોસ્પિટલ તંત્ર બાળકીને સારવાર કે ખબર પૂછવા પણ નથી ગયું. બાળકીના પરીવારજનોની નર્સ સોનાલીબેન સામે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાશે. નર્સ આ ઘટના બાદ ફરાર થઈ ગઈ છે. જ્યારે હોસ્પિટલ તંત્ર તપાસના નામે પોતાનો બચાવ કરી રહ્યા છે.

બાળકીની માતાએ જણાવ્યું કે, “મારી દીકરીને તાવ અને શરદી હોવાથી અમે 29મી તારીખે તેને સારવાર માટે વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરી હતી. બે તારીખે અમે રજા લઈને અહીંથી જઈ રહ્યા હતા. આ દરમિયાન સિસ્ટરની બેદરકારીને કારણે બાળકીનો અંગૂઠો કપાઈ ગયો હતો. સિસ્ટરે હાથમાં લાગેલી પટ્ટીને ખોલવા માટે કાતરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી અંગૂઠો કપાઈ ગયો હતો.”

બાળકીની માતાએ વધુમાં જણાવ્યું કે, “હવે હોસ્પિટલનું તંત્ર કહી રહ્યું છે કે અમારાથી જે થતું હતું તે અમે કર્યું છે. હવે તમે બાળકીને વધારે સારવાર માટે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈ શકો છે. મારી એટલી જ માંગણી છે કે મારી દીકરી અહીં જેવી આવી હતી એવી જ જોઈએ છે. હોસ્પિટલનું તંત્ર હાલ એવા પ્રયાસોમાં વ્યસ્ત છે કે અમે અહીંથી રજા લઈને જતા રહીએ.”

વીએસમાં નથી કોઈ સીનિયર ડોક્ટર

અમદાવાદના મેયર બિજલ પટેલે મીડિયા સામે સ્વીકાર કરતા જણાવ્યું હતું કે વીએસ હોસ્પિટલમાંથી તમામ સારા ડોક્ટરોને નવી બનેલી એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આથી અહીં સારવાર માટેની કોઈ અદ્યતન વ્યવસ્થા નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.