પાટણમાં સગી બહેને જ મહિના અગાઉ તેના ભાઈને ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ 30 મેના રોજ તેની 14 માસની માસૂમ દીકરીને પણ ઠંડા કલેજે ઝેર આપી મારી નાખી હોવાની સગી દીકરીએ કુટુંબીઓ પાસે કબુલાત કર્યાની ચોંકાવનારી રજૂઆત પિતાએ શહેર પોલીસને કરી હતી. જેને પગલે પોલીસે પુરાવા એકઠા કરવા સ્મશાનમાં દાટેલી 14 માસની માસૂમના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક લેબમાં મોકલી અકસ્માત મોત દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે.
- એક માસ પહેલાં ખેંચની બીમારીમાં ભાઇ અને થોડા દિવસોમાં બાળકીનું આ રીતે જ મોત થયું
- દીકરીના ચહેરા પર ભાઇ અને ભત્રીજીના મોતની વેદના ન દેખાતાં પિતાને શંકા ગઇ
- પરિવારની પૂછપરછમાં દીકરીએ કહ્યું, મેં જ ભાઇ અને ભત્રીજીની હત્યા કરી છે
સિદ્ધપુર તાલુકાના કલાણા ગામના મૂળ વતની અને અમદાવાદ ખાતે સ્ટીલનો વ્યવસાય કરતા નરેન્દ્રભાઈ બબલદાસ પટેલના દીકરા જીગરને છ માસ અગાઉ આંખે નજીકનું દેખાતું ન હોવાથી અને ગળું સુકાતું હોઇ શરીર ધ્રુજતું હોવાથી અમદાવાદ ખાતે સીમ્સ, સ્ટર્લિંગ, જાયડસ સહિતની હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી. ગત 4 મેના રોજ તેમનો પરિવાર પાટણમાં શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈના ઘરે રોકાયો હતો અને 5 મેના રોજ કલ્યાણા ગામે કુળદેવીનાં દર્શન કરવા ગયા હતા. ત્યાં જીગરની તબિયત લથડતાં પાટણની સદભાવ હોસ્પિટલમાં લાવતાં તે મૃત જણાયો હતો.
તેમનો પરિવાર વિધિ માટે પાટણ રોકાયેલો હતો, ત્યારે 30 મેના રોજ મૃતક જીગરની પત્ની ભૂમિબેનને તકલીફ થતાં હોસ્પિટલ લઈ જવાયાં હતાં. જ્યારે તેની દીકરી 14 માસની માહી ઘોડિયામાં સૂતેલી હતી ત્યારે ખેંચ આવતાં ખાનગી દવાખાને લઈ જતાં મૃત્યુ થયું હતું. જેની માતરવાડી સ્મશાનભૂમિમાં દફનવિધિ કરાઇ હતી.
ઘટનાથી આખો પરિવાર આઘાતમાં હતો, પરંતુ નરેન્દ્રભાઈની નાની દીકરી કિન્નરી તેણે બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે તેને ભાઇ અને ભત્રીજીના મોત અંગે કોઈ અફસોસ કે દુઃખ ન હોઇ તેના વર્તન પર શંકા જતાં કુટુંબીજનોએ બહેન, બનેવી, ભત્રીજા સૌ કોઈએ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેણીએ જીગર અને માહીને કોઇ ઝેરી પદાર્થ પીવડાવ્યો હોવાની હા ભણી હતી.
જોકે, આ કરવા પાછળનું કારણ તેણે જણાવ્યું નથી તેવી લેખિત રજૂઆત બી ડિવિઝન પોલીસ મથકે નરેન્દ્રભાઈએ કરતાં પોલીસે અકસ્માત મોત અન્વયે નોંધ કરી ઊંડાણ પૂર્વકની તપાસ માટે મૃતક બાળકીની લાશને ફોરેન્સિક PM માટે અમદાવાદ લઈ જવાઈ હતી.
પીએમ રિપોર્ટ બાદ કાર્યવાહી થશે : એસપી
આ અંગે એસપી શોભા ભૂતડાએ જણાવ્યું કે, આ ઘટનામાં અકસ્માત મોત નોંધ કરવામાં આવી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે.
યુવતી ડેન્ટલ ડોકટર: જેના સામે પિતાએ ભાઇ અને ભત્રીજીની હત્યાનો આક્ષેપ કર્યો છે તે કિન્નરી બીડીએસ ડેન્ટલ સુધીનો અભ્યાસ કરેલો છે અને બે વર્ષ અગાઉ સ્ટર્લિંગમાં નોકરી કરતી હતી. જે અપરિણીત છે અને તેણે આવું કૃત્ય શા માટે કર્યું તેમજ તેનો જીવ કેવી રીતે ચાલ્યો તેવો સવાલ ચર્ચાઇ રહ્યો છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.