શહેરનાં નરોડામાં ધારાસભ્ય બલરામ થાવાણીનો મહિલાને માર મારવાનો વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હવે ધારાસભ્ય બલરામ થાવાણીનાં સૂર બદલાયા છે. તેમણે આ મામલામાં પોતાની ભૂલ સ્વીકારતા કહ્યું કે, ‘મારાથી અજાણતા જોશમાં ભૂલ થઇ ગઇ છે. કારણ કે વાતાવરણ તેવું હતું. હું બહેનની માફી માંગુ છું. તેમણે કહ્યું કે મારી પાર્ટી અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી સાથે વાત થઇ છે. તેમને પણ મને ઠપકો આપ્યો છે. ‘

‘ખબર ન પડી કે તે મહિલા છે કે પુરૂષ’

બલરામ થવાણીએ મહિલાને માર્યાં અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘મારાથી પગ અડી ગયો છે. બેનને મારાથી લાત વાગી ગઇ છે તે માટે હું બેનની માફી માંગુ છું. પરંતુ મને તે વખતે ખબર ન પડી કે તે મહિલા છે કે પુરૂષ. આ આખી ઘટના બની છે પોતાનો બચાવ કરવા માટે. પહેલા ઓફિસમાં આ લોકોએ મારી પર હાથ ઉપાડ્યો, મને પાછળથી કોલર પકડ્યો હતો. તે બાદ હું બહાર આવી ગયો.’

એમએલએ લીધો યુ ટર્ન

ધારાસભ્યએ મહિલા સામે આક્ષેપ કરતાં થોડા જ કલાકો પહેલા કહ્યું હતું કે, ‘હું મહિલાની માફી નહીં માંગું, એ ગુનેગાર છે. તે એનસીપીનાં કાર્યકર્તા છે એટલે જેમફાવે તેમ લૂંટ ન મચાવી શકે. એ ગુનેગાર છે. આમા માફી શાની માંગવાની.’

મહત્વનું છે કે નરાડોમાં પાણીની વિકટ સમસ્યાને પગલે રવિવારે મહિલાઓ સ્થાનિક ધારાસભ્યની ઓફિસની બહાર વિરોધ નોંધાવી રહ્યાં હતાં. દરમિયાન મહિલાઓ સાથેની વાતચીતમાં વાત વણસતા ધારાસભ્ય બલરામ થવાણી અને તેમના સાથીદારોએ મળી મહિલાને ઢોર માર માર્યો હતો. મહિલા સશક્તીકરણની વાતો કરનાર ભાજપના જ ધારાસભ્યે જાહેરમાં મહિલાને માર મારવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

ભાજપ ધારાસભ્યોનું સંખ્યાબળ સાચવવામાં વ્યસ્ત
ગુજરાતમાં રૂપાણી સરકારમાં ભાજપનું સંખ્યાબળ 103 છે. આ સંજોગોમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડતા ભાજપ આ બન્ને બેઠકોની ચૂંટણીનું ગણિત ગણી રહ્યો છે. આ ચૂંટણીમાં જો ભાજપે બન્ને બેઠકો પર વિજય મેળવવો હોય તો કોંગ્રેસમાંથી 19 ધારાસભ્યો લાવવા પડે છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે જો ભાજપ પોતાના જ ધારાસભ્યને નૈતિકતાના ધોરણે બરતરફ કરે તો ભાજપનું સંખ્યાબળ તૂટી શકે છે. આમ ભાજપ તેમના ધારાસભ્ય સામે જ પગલા પડતાં ડરી રહ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.