વાલીઓએ મનપાના સત્તાધિશો સામે કેસ દાખલ કર્યો.
જૂનાગઢમાં રખડતા ભટકતા કુતરાનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. દરમિયાન 5 વર્ષની 2 બાળકીને કુતરાએ બચકા ભરતા એક દિકરીને 16 ટાંકા આવ્યા છે જ્યારે બીજી દિકરીને 12 ટાંકા આવ્યા છે.
બન્ને બાળકીઓ રમતી હતી ત્યારે કુતરાએ હુમલો કર્યો
આ મામલે ઇજાગ્રસ્ત બન્ને દિકરીઓના વાલીઓએ મનપાના સત્તાધિશો સામે એમએલસી કેસ દાખલ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ નવી કલેક્ટર કચેરી પાસે આવેલ મિરાનગરમાં સુનિતા અને અરવા નામની 5 વર્ષની 2 દિકરીઓ રમતી હતી ત્યારે કુતરાએ તેમના પર હુમલો કરી બચકા ભરી લીધા હતા. સુનિતાના પિતા મુકેશભાઇ સોલંકી પંચમહાલ જિલ્લાના ગામેથી મજૂરી કામ અર્થે આવ્યા છે. સુનિતાને માથાના ભાગે બચકા ભરતા તેને 16 ટાંકા આવ્યા છે. જ્યારે ઇર્શાદભાઇ સુમરાની 5 વર્ષની અરવા નામની દિકરીને માથાના ભાગે કુતરાએ હુમલો કરતા તેને 12 ટાંકા આવ્યા છે.
બન્ને બાળકીના પિતાએ મનપાના સત્તાધિશો સામે કેસ કર્યો
આ બન્ને દિકરીઓને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. બાદમાં બન્ને બાળકીના વાલીઓએ મનપાના સત્તાધિશો વિરૂદ્ધ એમએલસી કેસ દાખલ કર્યો છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસમાં જાણ કરતા બન્ને બાળકીના વાલીઓના નિવેદન લઇ આગળની તપાસ હાથ ધરી છે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં કુતરાનો આંતક વધી રહ્યો છે રાતનાં સમયે રસ્તા પરથી બાઇક લઇને પસાર થતાં લોકો પાછળ દોટ મુકે છે. જેને લઇને અકસ્માતનાં બનાવો પણ અવાર-નવાર બનતા રહે છે. કુતરાનાં વધી રહેલા ત્રાસને લઇને મનપા દ્વારા કોઇ કામગીરી કરવામાં આવતી નથી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.