એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ મહિલા રેસલર બની. ફાઇનલમાં વિનેશે જાપાનની યુકીને 6-2થી પરાજય આપ્યો , ભારતને હજુ સુધી બંને ગોલ્ડ રેસલિંગમાંથી
ભારતની રેસલર વિનેશ ફોગાટે એશિયન ગેમ્સ-૨૦૧૮ની વિમેન્સ રેસલિંગ સ્પર્ધાના ૫૦ કિલોગ્રામ વજનજૂથમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ સાથે જ વિનેશ ફોગાટ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ભારતીય મહિલા રેસલર બની ગઇ છે.
ફાઇનલમાં વિનેશે જાપાનની યુકી આઇરીને ૬-૨થી પરાજય આપ્યો હતો. વિનસે અગાઉ ૨૦૧૪ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૨૦૧૬ની રિયો ઓલિમ્પિક્સમાં ચીનની સુન યનાન સામેની રેસલિંગની ક્વાર્ટર ફાઇનલ અગાઉ જ તેને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઈજામાંથી પરત ફર્યા બાદ વિનેશે આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વિનેશે ગોલ્ડ મેડલ બાદ જણાવ્યું હતું કે, ‘ઈજા દરેક એથ્લિટના જીવનનો ભાગ છે. ૨૦૧૬ની ઓલિમ્પિક્સ વખતે થયેલી ઈજા બાદ હવે હું માનસિક રીતે વધારે મજબૂત બની ગયું છે. એશિયા કક્ષામાં મને હજુ સુધી ક્યારેય સિલ્વર મળ્યો નથી. જેના કારણે છેલ્લા કેટલાય મહિનાથી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવો તે જ મારું સ્વપ્ન હતું. ‘
એશિયન ગેમ્સમાં ભારતનો બીજો ગોલ્ડ છે. અગાઉ રવિવારે બજરંગ પુનિયાએ ભારતને ગોલ્ડ અપાવ્યો હતો. સોમવારે વિનેશ પોતાના બાઉટમાં ઉતરી ત્યારે તે પગમાં દુ:ખાવાની ઈજાથી પરેશાન હતી.
આમછતાં તેણે તમામ મુકાબલામાં આસાન વિજય મેળવ્યો હતો. ગોલ્ડ મેડલના મુકાબલામાં વિનેશે સાવચેતીપૂર્વક પ્રારંભ કર્યો હતો અને શરૃઆતમાં તે રક્ષણાત્મક અભિગમ સાથે રમી રહી હતી. રેફરીએ જ્યારે આક્રમક રમવા કહ્યું ત્યારે વિનેશે ચપળતા દાખવી અને હરીફ ઉપર પ્રભુત્વ જમાવી દીધું હતું.
ઠોસ મજબૂત ભરોસા અપને સપનો પે કરના, જીતને મુંહ ઉતની બાતેં ગૌર કિતનો પે કરના
ગીતા-બબિતા બાદ હવે બહેન વિનેશે પણ દેશનું ગૌરવ વધાર્યું
વિનેશને પણ રેસલર બનવા માટે અનેક સામાજીક પડકારોનો સામનો કરવો પડયો હતો
નવી દિલ્હી: એશિયન ગેમ્સ-૨૦૧૮માં રેસલર વિનેશ ફોગાટે ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ સર્જ્યો છે. વર્ષ ૨૦૧૬માં આવેલી આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ રેસલિંગ કોચ મહાવીરસિંહ ફોગાટ, રેસલર્સ ગીતા-બબીતાના જીવન પર આધારીત હતી. વિનેશ ફોગાટ એટલે મહાવીર ફોગાટના નાના ભાઇ રાજપાલ ફોગાટની પુત્રી. ૨૫ ઓગસ્ટના ૨૪મી વર્ષગાંઠ ઉજવનારી વિનેશ ફોગાટ અગાઉ કોમનવેલ્થ ગેમ્સમાં પણ બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. જોકે, બહેનો ગીતા-બબીતા માફક વિનેશને પણ અનેક સામાજીક પડકારોનો સામનો કરવો પડયો હતો.
ગામના વિરોધથી ડર પેસી ગયો હતો
મહાવીરસિંહે પોતાની પુત્રીઓને રેસલિંગ શિખવતા ગામના લોકોએ તેની સામે ખૂબ જ વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ સિલસિલો એ હદે વધી ગયો કે મહાવીર સિંહને પોતાના પરિવાર સાથે ગામ છોડવું પડયું હતું. છતાં મહાવીરસિંહ કે તેના ભાઇ ઝૂક્યા નહીં. લોકોનો વિરોધ જોઇને તેમજ મ્હેણા-ટોણાં સાંભળીને વિનેશ રેસલિંગની ટ્રેનિંગ લેવાથી શરૃઆતમાં ડરતી હતી. પરંતુ આ તબક્કે બહેનો અને કાકાએ પ્રોત્સાહન આપતા તેણે રેસલિંગની ટ્રેનિંગ શરૃ કરી હતી. ૨૦૧૦માં ગીતાએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા બાદ મહાવીરસિંહે વિનેશને પરિવારના આ વારસાને આગળ લઇ જવા અનુરોધ કર્યો હતો. જે લોકો થોડા વર્ષો અગાઉ ફોગાટ બહેનોને ટોણા મારતા હતા, આજે તેઓ તેમનાથી ગૌરવ અનુભવે છે. એવું કહી શકાય કે, વિનેશે પિતરાઈ બહેનોની પ્રેરણા લઈ જાણે દંગલ પાર્ટ – ટુ એશિયાડમાં સાચો ગોલ્ડ મેડલ મેળવતાં સર્જ્યું હોય.
9 વર્ષની ઉંમરમાં પિતાનું છત્ર ગુમાવ્યું
વિનેશનો જન્મ ૨૫ ઓગસ્ટ ૧૯૯૪ના હરિયાણાના બલાલી ગામમાં થયો હતો. વિનેશ માત્ર ૯ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. આ પછી કાકા મહાવીરસિંહ ફોગાટે વિનેશનો એવો ઉછેર કર્યો કે તેને પિતાની ખોટ ક્યારેય પડે નહીં. મહાવીરસિંહે વિનેશને પણ રેસલિંગની ટ્રેનિંગ આપવાનું શરૃ કર્યું. ગીતા-બબીતા અન્ય સ્પર્ધાઓમાં વ્યસ્ત થઇ ગઇ હતી. જેના કારણે વિનેશને તેના ગામના યુવકો સાથે રેસલિંગની પ્રેક્ટિસ કરવી પડતી હતી.
વિનેશની ગોલ્ડ સુધીની સફર
પ્રથમ રાઉન્ડ : ચીનની સુન યનાન સામે ૮-૨થી વિજય.
ક્વાર્ટર ફાઇનલ : દ.કોરિયાની હ્યુંગ જૂ સામે ૧૧-૦થી વિજય.
સેમિફાઇનલ : ઉઝબેકિસ્તાનની દૌલેતબાઇક સામે ૧૦-૦થી વિજય
ફાઇનલ : જાપાનની યુકી આઇરીને ૬-૨થી વિજય.
સાક્ષી મલિકે નિરાશ કર્યા
ભારતને જેની પાસેથી મેડલની સૌથી વધુ આશા હતી તે ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડાલિસ્ટ સાક્ષી મલિકે નિરાશ કર્યા હતા. ૬૨ કિલોગ્રામ વજનજૂથમાં સાક્ષીનો બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં નોર્થ કોરિયાની જોંગ સિમ સામે ૧૨-૨થી પરાજય થયો હતો.અગાઉ સાક્ષીનો સેમિફાઇનલમાં કિર્ગિસ્તાનની આઇસુલુ તેનીબેકોવા સામે ૮-૭થી પરાજય થવાની સાથે જ તેનું ગોલ્ડ જીતવાનું સ્વપ્ન તૂટયું હતું.