હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. યુનિવર્સિટીએ સર્ટિફિકેટ મોકલાવા ટપાલના કવરની ખરીદી ન કરતાં યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના અંદાજે 28 હજાર સ્ટુડન્ટને ડિગ્રી સર્ટિફિકેટ મળ્યા નથી. જેને પગલે સ્ટુડન્ટ્સમાં રોષ જોવા મળી રહ્યો છે.

શૈક્ષિણક વર્ષ 2017-18ના વિદ્યાર્થીઓની ડિગ્રી છપાઈને યુનિવર્સિટીમાં છેલ્લા પંદરેક દિવસથી આવી ગયા છે. યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં સદંત્તર નિષ્ફળ રહ્યું છે. આ સમગ્ર મામલો કવર ખરીદીનો છે. યુનિવર્સિટીએ ટપાલના નવા કવર ખરીદતા નથી. જેટલા હતા તે તમામ વપરાઈ ગયા છે. પરીક્ષા વિભાગે યુનિવર્સિટીના સ્ટોર વિભાગ પાસે નવા કવર માંગ્યા છતાં પંદર દિવસ વીતવા છતાં કવર ખરીદાયા નથી.

મળતી માહિતી અનુસાર 21 એપ્રિલથી પરીક્ષા વિભાગ કવરની માગ કરી રહ્યું છે. તેમ છતાં સ્ટોર વિભાગ હજુ સુધી કવરની ખરીદી કરી શક્યુ નથી. તેવી સ્થિતિમાં કવરની ખરીદી ન થવાને પગલે સ્ટુડન્ટના હાથમાં ડિગ્રી સર્ટી ક્યારે પહોંચશે તે મોટો પ્રશ્ન ઉભો છે.

યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરતાં તેઓ બચાવની સ્થિતિમાં જોવા મળ્યા હતા અને લૂલો બચાવ કર્યો હતો કે અમે કવરો ખરીદી લીધા છે. સાંજ સુધીમાં કવર મળી જશે એટલે અમે ડિગ્રી સર્ટિફિકેટ મોકલવાનું શરૂ કરી દઈશું.