શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ આધુનિક પદ્ધતિથી સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી.

સમી તાલુકાના દુદખા ગામે શાળા આરોગ્ય કાર્યક્રમનો શુભારંભ કરાવતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર.

સમી તાલુકાના દુદખા મુકામે શ્રમ અને રોજગાર, યાત્રાધામ વિકાસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણના જિલ્લા કક્ષાના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. ૨૫ નવેમ્બરથી ૩૦ જાન્યુઆરી સુધી ચાલનારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમ્યાન સપ્તાહવાર વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. દુદખા ગામની પ્રાથમિક કન્યા શાળા ખાતે યોજાયેલા શાળા તપાસણી કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,
રાજ્ય સરકાર દ્વારા ભાવી પેઢીના આરોગ્યનું જતન કરવાના ઉદ્દેશ સાથે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. નવજાત શિશુથી લઈ ૧૮ વર્ષની ઉમરના તમામ બાળકોને આવરી લઈ તેમના આરોગ્યની ચકાસણી અને જરૂરી સારવાર પૂરી પાડી સંવેદનશીલ રાજ્ય સરકારે બાળકોના વાલી બની તેમના આરોગ્યની દરકાર કરી છે. ગરીબ પરિવારના બાળકો નબળી આર્થિક પરિસ્થિતીના કારણે સારવારથી વંચીત ન રહી જાય તે માટે હ્રદયના રોગો, કીડનીના રોગો તથા કેન્સર જેવી ગંભીર બિમારીના સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકારે આધુનિક પદ્ધતિની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી છે.

વધુમાં માનનીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રીએ જણાવ્યું કે, બાળકના આરોગ્યની દરેક માતા પિતાને ચિંતા હોય તે સ્વાભાવિક છે, પરંતુ રાજ્ય સરકારે રાજ્યના તમામ બાળકોના મા-બાપ તરીકે તેમના આરોગ્યની ચિંતા કરી છે. આરોગ્ય તંત્ર દ્વારા આંગણવાડીથી લઈ શાળાના તથા શાળાએ ન જતા બાળકોને વિનામુલ્યે તપાસ અને સારવાર પૂરી પાડી તંદુરસ્ત ભવિષ્યના નિર્માણમાં પાયાના પથ્થરનું કામ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે જણાવ્યું કે, સરકારશ્રી દ્વારા હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સના મહત્વના પાસા તરીકે શાળા આરોગ્ય પર ભાર મુકી શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ તથા સંકલિત બાળ વિકાસ યોજનાના સંકલનથી આરોગ્યની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં ૨૫ નવેમ્બરથી ૩૦ જાન્યુઆરી સુધી ૨૫ હજારથી વધુ કર્મચારી- અધિકારીઓ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત વિનામુલ્યે તપાસણી તથા સારવારની વ્યવસ્થા કરવામાં આવશે.

સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે દુદખા પ્રાથમિક કન્યા શાળામાં ચાલી રહેલ બાળકોની આરોગ્ય તપાસણીની કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ક્લબ ફૂટ(પગની ખોડ-ખાંપણ), ક્લેફ્ટ લિપ-પેલેટ (કપાયેલા હોઠ તાળવા), હ્રદયના ઑપરેશન તથા કોકલીયર ઈમ્પ્લાન્ટના ઑપરેશન જેવી સારવાર લેનાર બાળકોને ન્યુટ્રિશ્યન કીટ તથા પુરસ્કાર અર્પણ કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ-૨૦૧૯ હેઠળ પાટણ જિલ્લાના ૦૯ તાલુકામાં આરોગ્ય વિભાગની ૩૨૬ ટીમ દ્વારા ૩.૬૨ લાખ બાળકોની તપાસણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી શાળાએ ન જતાં ૫૭૮૧ બાળકોને તેમના ઘરે જઈ તેમના આરોગ્ય અંગે તપાસ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત બાળકના આરોગ્યની તપાસ, સ્થળ પર સારવાર, જરૂરી સંદર્ભ સેવાઓ, મફત ચશ્મા વિતરણ ઉપરાંત હ્રદય, કિડની, કેન્સર, થેલેસેમિયા, ક્લેફ લીપ-પેલેટ, કોકલીયર ઈમ્પ્લાન્ટ વગેરેની સુપર સ્પેશ્યાલીટી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ કાર્યક્રમમાં તાલુકા સંગઠન પ્રમુખશ્રી ભોપાજી ઠાકોર, આહિર અગ્રણીશ્રી બાબુભાઈ આહિર, દુદખા ગામના સરપંચશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.એ.એસ.સાલ્વી, ડી.ક્યુ.એમ.ઓ. ડૉ.એમ.આર.જીવરાણી, ડી.આઈ.સી.ઓ.શ્રી આર.કે.જાદવ, તાલુકા હેલ્થ ઑફિસરશ્રી સમી, તાલુકા હેલ્થ ઑફિસરશ્રી સરસ્વતી, આરોગ્ય વિભાગનો સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024