પહેરવેશથી નેતા ઓછા અને સાધુ વધુ લાગતા પ્રતાપ ષડંગીએ જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારે તાળીઓના ગડગડાટથી ખ્યાલ આવ્યો કે તે ખૂબ જ લોકપ્રિય છે.

64 વર્ષના ષડંગીની સાદગીના ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તેઓ વધુ જાણીતા થયા છે. જોકે, સાદગીમાં માનતા ષડંગી પર અગાઉ તોફાનો કરાવવાં, ધાર્મિક ઉન્માદ ફેલાવવાના આરોપો લાગેલા હતા પરંતુ તેઓ એક પણ કેસમાં દોષિત ઠર્યા નથી.

પ્રતાપ ષડંગી ઓડિશામાં પ્રતાપ નના તરીકે જાણીતા છે.

1999માં ષડંગી ઓ઼ડિશામાં બજરંગદળના રાજ્ય પ્રમુખ હતા ત્યારે હિંદુઓનાં ટોળાંએ ધર્માંતરણનો આરોપ મૂકીને ઑસ્ટ્રેલિયન ડૉકટર અને સમાજસેવક સ્ટેઇન્સ અને તેમનાં બે બાળકોની હત્યા કરી હતી.

ક્રિશ્ચિયન સમાજના લોકોએ બજરંગદળ પર હત્યાનો આરોપ મૂક્યો હતો, પરંતુ સત્તાવાર તપાસમાં હુમલાની પાછળ આ એક ગ્રૂપ હોવાના યોગ્ય પુરાવાઓ મળ્યા ન હતા.

લાંબી સુનાવણી પછી 2003માં બજરંગદળ સાથે જોડાયેલા દારાસિંહ અને અન્ય 12 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

પરંતુ ઓડિશા હાઈકોર્ટે બે વર્ષ બાદ દારાસિંહની મૃત્યુદંડની સજાને પુરાવાના અભાવે રદ કરી દીધી હતી.

આ ઉપરાંત બીજા 11 લોકોની આજીવન કેદની સજા રદ કરી તેમને પણ પુરાવાના અભાવે મુક્ત કરવામાં આવ્યા હતા.

એ વખતે પ્રતાપ ષડંગી ક્રિશ્ચિયન મિશનરીની ‘દુષ્ટ ડિઝાઇન’ પર વાત કરતા અને કહેતા કે તે લોકો “આખા ભારતમાં ધર્માંતરણ કરવા તરફ વળ્યા છે.

ષડંગીએ સ્ટેઇન્સ પરના હુમલાની અને બે બાળકનાં મૃત્યુની નિંદા કરી હતી પરંતુ તેમનો ભાર ધર્માંતરણ પર વધારે હતો.

સાત કેસમાં આરોપ

ષડંગીની એફિડેવિટ

ઓડિશાની વિધાનસભામાં બજરંગદળ સહિતના જમણેરી હિંદુ ગ્રૂપે 2002માં કરેલા હુમલા પછી તેમની ધરપકડ કરાઈ હતી.

હુલ્લડ કરવા, આગ લગાડવી, ઓચિંતો હિંસક હુમલો કરવો તથા સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના આરોપસર તેમની ધરપકડ કરાઈ હતી.

ષડંગીએ આઠ એપ્રિલ, 2019એ કરેલી ઍૅફિડેવિટ મુજબ તેમની સામે સાત ફોજદારી કેસ નોંધાયા છે. જેમાં ગેરકાયદેસર રીતે એકઠા થવું અને તોફાનો, ધાર્મિક ભાવાનાઓને ઉશ્કેરવી વગેરેનો સમાવેશ થાય છે.

સોગંદનામા મુજબ સાત પૈકી એક પણ કેસમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા આવ્યા નથી.

જોકે, સોશિયલ મીડિયા પર તેમની સાદીસરળ લાઇફ-સ્ટાઇલના કારણે તેમને પ્રતિષ્ઠા મળી રહી છે, નહીં કે તેમની જૂની બાબતોના કારણે.

રિક્ષામાં ચૂંટણીપ્રચાર

64 વર્ષના ષડંગીના જીવનની ઝલક દેખાડતા તેમના ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ગમછો પહેરીને પોતાના ઘરની બહાર નળ પાસે નાહતા અથવા પછી સાઇકલ અથવા ઑટોમાં ચૂંટણીપ્રચાર કરતા તેઓ દેખાય છે.

મંદિરની બહાર પૂજા કરતા હોય તેવી તસવીર પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે.

રાત્રે 8 વાગ્યાને 55 મિનિટ પર દિલ્હીમાં ષડંગી શપથ લઈ રહ્યા હતા ત્યારે બાલાસોરમાં આવેલા ભાજપના કાર્યાલયમાં ઢોલ-નગારાં વાગી રહ્યાં હતાં અને મીઠાઈઓ વહેંચાઈ રહી હતી.

ષડંગીએ ઓડિશામાં બજરંગદળના અધ્યક્ષ તરીકે કામ કર્યું છે અને પહેલાં તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક વરિષ્ઠ સભ્ય પણ હતા.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે લાંબો સમય સંકળાયેલા ષડંગી જમીન સાથે જોડાયેલા કાર્યકર છે.

બાલાસોરથી ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય મદનમોહન દત્ત કહે છે, “પ્રતાપ નના (મોટા ભાગના લોકો તેમને આ જ નામથી ઓળખે છે) જેવા કાર્યકર્તાઓને પોતાના મંત્રીમંડળમાં સ્થાન આપ્યું તેના માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીએ છીએ.”

“માત્ર ભાજપના જ કાર્યકર્તાઓ ઉજવણી નથી કરતા, પરંતુ આખું બાલાસોર આજે ઉજવણી કરી રહ્યું છે.”

“ઓડિશાના મોદી” તરીકેની પણ ઓળખ

આરએસએસ અને બજરંગદળ સાથે જોડાયેલા હોવાના કારણે તેમની રાજકીય વિચારધારા કોઈથી છુપી નથી. તે સંઘની પ્રચારક પરંપરામાંથી આવે છે અને એટલા માટે અપરિણીત છે.

મોદીની જેમ ઘરબાર છોડીને નીકળી ગયા હતા અને સંઘની સાથે જોડાયા હોવાથી કેટલાક લોકો તેમને “ઓડિશાના મોદી” પણ માને છે.

આર.કે. મિશન કોલકાતામાં થોડોક સમય પસાર કર્યા પછી તે પાછા ઓડિશા પરત ફર્યા હતા. તેમણે કેટલાક દિવસ નીલગિરિ કૉલેજમાં ક્લાર્કની નોકરી કરી, પરંતુ નોકરી તેમને પસંદ ન પડી.

ત્યાં સુધી તેમના હૃદય અને મગજમાં આરએસએસની વિચારધારા વસી ગઈ હતી અને તેઓ સંઘના સહયોગી સંગઠનના સામાજિક કાર્યમાં જોડાઈ ગયા.

બાલાસોર અને પડોશી આદિવાસી જિલ્લા મયૂરભંજમાં અનેક આદિવાસી વિસ્તારમાં ઘણી સ્કૂલ ખોલી અને કેટલાય ગરીબ, હોશિયાર બાળકોને ભણવા માટે આર્થિક મદદ અપાવી.

ધારાસભ્ય બન્યા પછી જીવનશૈલી એની એ જ

નીલગિરિ વિસ્તારમાંથી બે વખત ધારાસભ્ય રહેલા ષડંગી આજ પણ પોતાના ગામ ગોપીનાથપુરના કાચા મકાનમાં રહે છે.

ગામમાં જ નહીં ભુવનેશ્વરમાં પણ તેમની મા તેમની સાથે રહેતાં હતાં, પરંતુ ગત વર્ષે તેમના મૃત્યુ પછી તેઓ એકલા પડી ગયા છે.

સામાન્ય દિવસોમાં હંમેશાં સફેદ કુર્તો-પાયજામો, સાદા ચંપલ અને ખભા પર ઝોળી લટકાવેલા રસ્તા પર ચાલતા જોવા મળે છે.

રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા કે રોડના કિનારે સામાન્ય હોટલમાં ભોજન લેતા જોવા મળે છે.

2004થી 2014 સુધી ધારાસભ્ય હતા, ત્યારે પણ તેમની જીવનશૈલી આ જ હતી અને આજે પણ બદલાઈ નથી.

તેઓ ભુવનેશ્વરની એમએલએએ કૉલોનીમાં રહે છે. તેમના ઘરમાં ચટ્ટાઈ, કેટલાંક પુસ્તકો અને એક જૂના ટીવી સિવાય કંઈ ન મળે.

આ વખતે ષડંગી માટે ચૂંટણી જીતવી જરા પણ સરળ ન હતી. તેઓ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ નિરંજન પટ્ટનાયકના દીકરા નવજ્યોતિ પટનાયકની સામે લડી રહ્યા હતા.

જ્યારે બીજી તરફ ગત સમયે તેમને એક લાખ 42 હજાર વોટથી હરાવનાર બીજેડીના રવીન્દ્ર જેના હતા. આ બંને ઉમેદવાર અમીર હતા.

બંને ઉમેદવારોએ પ્રચારમાં અનેક એસયૂવી ગાડીનો ઉપયોગ કર્યો.

પણ ખટારા કે ઑટોમાં બેસીને પ્રચાર કરનાર ‘પ્રતાપ નના’ બંને અમીર ઉમેદવારોને ભારે પડ્યા.

જોકે તેઓ માત્ર 12 હજાર વોટના સામાન્ય અંતરથી જ જીતી શક્યા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.