માફ કરજો, આ પત્રથી લોકસભાના ભવ્ય વિજયની ઉજવણીના તમારા મૂડમાં ખલેલ પાડી રહ્યા છીએ, પરંતુ જે પ્રકારે હસતાં ચહેરે તમારા મંત્રી મહોદય અને અમદાવાદ પૂર્વના નવનિર્વાચિત સાંસદ ટીવી સમક્ષ સુરતની આગ દુર્ઘટના વિશે નિવેદનો આપી રહ્યા છે એ જોયા પછી સમસમી ગયેલી આંગળીઓને આ અક્ષરો પાડીને આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પડી છે. 
સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં આગ લાગવાથી ફસાયેલા વિદ્યાર્થીઓએ જે પ્રકારે જીવ બચાવવા મોતના કૂદકાં લગાવ્યા એ દ્રશ્યો જોઈને સમગ્ર ગુજરાતના હૈયે હાયકારો નીકળી રહ્યો છે.

દુર્ઘટના બને ત્યારે જાનહાનિ થાય, લોકો ઈજાગ્રસ્ત થાય એ સમજી શકાય છે, અને આવડાં મોટાં દેશમાં દુર્ઘટના તો થઈ શકે. એમાં કંઈ સરકાર આડો હાથ દેવા ન જઈ શકે. તમારી સંવેદનશીલ સરકારે પણ તરત હરકતમાં આવીને મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખની સહાય જાહેર કરી દીધી. સાહેબ, બાળક ગુમાવવાની પીડા કેટલી અસહ્ય હોય છે એ તમે ખૂબ સારી રીતે સમજો છો. હૈયે હાથ મૂકીને કહેજો, આવી કપરી ઘડીએ બાળક ગુમાવી ચૂકેલા મા-બાપને રૂપિયાની સહાય જરૂરી હોય છે કે સાંત્વનાની? આગના લવકારા વચ્ચે હોમાઈ ગયેલા નિર્દોષ ભૂલકાંના મા-બાપની પીડાની આ મજાક નથી?

સૌથી મોટી મજાક તો તમારા જ વરિષ્ઠ મંત્રીઓ ઊડાવી રહ્યા છે. શિક્ષણમંત્રીએ દુર્ઘટનાની સાંજે જ સજીધજીને મીડિયા સમક્ષ નિવેદન આપી દીધું અને કોર્પોરેશનને જવાબદાર ઠરાવીને ચાલતી પકડી, કેમ જાણે કોર્પોરેશનમાં પાકિસ્તાનની સરકારનું શાસન હોય! પછી મોડી રાત્રે ખબર પડી કે શિક્ષણમંત્રી નવી બંડી પહેરીને કેમ નીકળ્યા હતા અને શા માટે ઉતાવળમાં હતા. આગમાં હોમાયેલા બાળકોની કારમી ચિચિયારીએ શિક્ષણમંત્રીના ચિતતંત્રને એટલી હદે ઝકઝોરી દીધું હતું કે તેમાંથી બહાર નીકળવા તેમણે એ જ રાત્રે રીબડામાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી.. તમારી સરકારના શિક્ષણમંત્રી, તમારા પક્ષના નેતાઓ હસતાં ચહેરે સુરતના હોમાયેલા બાળકો માટે ડાયરામાં બે મિનિટનું મૌન પાળી રહ્યા હતા ત્યારે સાચું કહું સાહેબ, આખા ગુજરાતના ગળામાંથી લાચારી, વિવશતાનો નિઃશ્વાસ નીકળી રહ્યો હતો.

શિક્ષણમંત્રી કોર્પોરેશન પર વાંક ઢોળે, નાયબ મુખ્યમંત્રી વળી મીડિયાને જ સવાલો કરે કે, ‘કોણે આ ગેરકાયદે બાંધકામને મંજૂરી આપી? ફાયરસેફ્ટી નોર્મ્સનું પાલન ન હતું તો શિક્ષાત્મક પગલાં કેમ ન લેવાયા?’ અરે મારા સાહેબ, આ સવાલો તો અમારે તમને પૂછવાના હોય તેને બદલે તમે અમને પૂછી રહ્યા છો? પ્રજાને ય કોંગ્રેસ જ ગણો છો? પ્રજાને ય તમારા હરીફ, સ્પર્ધક, વિપક્ષ ગણીને આમ જ પાડી દેવાનો ખેલ રમો છો? રાજકીય ચતુરાઈ કમ સે કમ પ્રજા સામે તો ન વાપરો.

આ તમારા જ મતદારો છે, જેણે ખોબલે ખોબલે મત આપીને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમને બેસાડ્યા છે. તમે કીધું કે મોંઘવારી નથી, પ્રજાએ માની લીધું. તમે કીધું કે બેરોજગારી એ ફક્ત વિપક્ષનો આક્ષેપ છે, પ્રજાએ સ્વિકારી લીધું. તમે કીધું કે રાષ્ટ્રવાદના નામે મત આપો, પ્રજાએ આંખ મીંચીને આપી દીધો. હવે એ જ પ્રજા જ્યારે સંતાન ગુમાવ્યાના દુઃખમાં ગરકાવ છે, જેના ગળે અટકી ગયેલા ડૂમાની રૂંધામણ અને આંખોમાં કારમી સ્તબ્ધતા થીજી ગઈ છે એ પ્રજાને તમે, તમારી સરકાર, તમારા મંત્રીઓ આવા જવાબ આપશો?

આ એ જ પ્રજા છે જેમણે તમે કહ્યું ત્યાં થપ્પા માર્યા છે. તમે કહ્યું ત્યાં તાળીઓ પાડી છે. તમે ચિંધ્યા એ મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર કમેન્ટ, પોસ્ટ અને લાઈકનો વરસાદ વરસાવ્યો છે. તમે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને ગુજરાતનું ગૌરવ વિશ્વની હરોળમાં આવી ગયું ત્યારે અમે તાળીઓ પાડી હતી. 182 મીટર ઊંચી પ્રતિમા બનાવી દીધી, પણ ફાયરબ્રિગેડ પાસે પાંચ માળે પહોંચે એવી સ્નોરકેલ કેમ નથી એ સવાલ અમે તમને ન કર્યો એ અમારી ભૂલ? તમે કહ્યું એ દરેક વાતમાં અમે વિશ્વાસ કર્યો એ અમારી મુર્ખામી?

પહેલાં તમે ગેરકાયદે બાંધકામ થવા દો. પછી એને જૂનું અને સ્થાયી થવા દો. પછી ઈમ્પેક્ટ ફીના નામે તમે જ છટકબારી આપો અને રૂપિયા લઈને તેને કાયદેસર કરી દો, અને હવે આગની દુર્ઘટના બની છે ત્યારે યુદ્ધના ધોરણે કામ કરવાનો દેખાડો કરીને મકાને મકાને તવાઈ લાવવા દોડો છો. વાહ સાહેબ વાહ, આ તો એવું થયું કે થૂંક પડે તોય તમે જીતો ને બટ પડે તોય તમે, હારીએ તો અમે જ.

માનનીય મુખ્યમંત્રી મહોદય, હવે બહુ થયું. દુર્ઘટનાઓ ય બહુ થઈ, લાચાર અને વિવશ મા-બાપની આંખોમાંથી વહેતાં આંસુઓ ય હવે ખૂટી પડ્યા છે. હવે પ્લિઝ, તપાસના નામે કે એક્શનના નામે તાયફાઓ બંધ કરાવો. પ્રજા તરીકે અમારો ખોફ તો તમારા મનમાંથી ક્યારનો નીકળી ચૂક્યો છે. સતત દરેક સ્તરે તમારું ચિક્કાર સમર્થન કરીને, તમારી વકીલાત કરીને અમે જ તમારા મનમાં અમારો ખોફ નથી રહેવા દીધો, પણ હવે અમારા માટે થોડોક પ્રેમ તો દાખવો. પ્રેમ નહિ તો છેવટે થોડીક દયા, થોડીક મહેરબાની તો રાખો.

તમારા વહીવટીતંત્રની ઘોર બેદરકારી રોકો. જાણે કેમ ફરીથી ટ્યુશન ક્લાસિઝમાં જ આગ લાગવાની હોય અને બીજે ક્યાંય લાગવાની જ ન હોય તેમ ક્લાસિઝ પર તવાઈ લાવી રહ્યા છો. ખરેખર તો એકેએક ઈમારતના બાંધકામમાં કાયદાનું પાલન કરાવો. ભ્રષ્ટાચાર રોકો, લાપરવાહી અટકાવો. લાલિયાવાડી અને મીલીભગત બંધ કરાવો. તમારા કહેવાતા વિકાસની ચકાચૌંધની ચારેતરફ અમે બહુ વકીલાત કરી લીધી, હવે કમ સે કમ અમને પ્રાથમિક સલામતી તો અપાવો.

આગમાં હોમાઈ ગયેલી એક કિશોરીએ તેના પિતાને ફોન કરીને કહ્યું હતું, ‘પપ્પા, હું આગમાં ફસાઈ છું, પણ ચિંતા ન કરશો હું ગમે તેમ કરીને બહાર આવી જઈશ’ પછી થોડી વાર બાદ એ જ છોકરીએ પિતાને બીજો ફોન કરીને ખાંસતા અવાજે કહ્યું કે, ‘પપ્પા, હું આગ અને ધૂમાડાથી ઘેરાઈ ગઈ છું. હવે હું બહાર નહિ આવી શકું. મને ભૂલી જજો પપ્પા…’

સાહેબ, પ્રજાની યાદદાસ્ત બહુ ટૂંકી છે એ તમને ય પાકા પાયે ખબર છે, પણ ‘મને ભૂલી જજો પપ્પા’ એ વાક્ય કદી નહિ ભૂલે, ગુજરાત એ કદી નહિ ભૂલે. તમે ય નહિ ભૂલો એવી અપેક્ષા સહ ભારત માતા કી જય.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024