શહેરમાં ગઈકાલે બનેલી અગ્નિકાંડની ઘટનાએ ફક્ત સુરત જ નહીં આખા રાજ્યને હચમચાવી દીધી છે. સરથાણાના તક્ષશિલા અગ્નિકાંડમાં ગતરોજ 19વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે બીજા દિવસે પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે અને જીવ બચાવવા ઉપરથી છલાંગ મારતા ઈજા પામેલી વધુ એક  વિદ્યાર્થિનીએ સારવાર દરમિયાન આજે વહેલી સવારે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મૃતાંક વધીને 23 થયો છે.

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ સીમાડા નાકા પાસે આવેલ ગૌરવ પાર્ક સોસાયટીમાં રહેતા દીપકભાઈ પાંચાણીની 17 વર્ષીય પુત્રી હેપ્પી ગઈકાલે સાંજે સરથાણા ખાતે તક્ષશિલા આર્કેડમા ગોજારી ઘટનામાં પોતાના જીવ બચાવવાના પ્રયાસમાં ઉપરથી કૂદી ગઈ હતી, તેને માથા અને શરીરના ભાગોમાં ગંભીર ઈજાઓ થઇ હતી. 

સારવાર માટે તેણીને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં આજે વહેલી સવારે સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. હેપ્પીના સંબંધીએ જણાવ્યું હતું કે હેપ્પી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં આવેલા વંડા ગામના વતની હતી. તે એક ભાઈની એકની એક લાડકવાઈ બહેન હતી હતી. 

હેપ્પીએ હાલમાં જ ધોરણ 11ની પરીક્ષા આપી હતી અને તેમાં પાસ થઈને 12માં ધોરણમાં આવી હતી. તેના પિતા હીરાના કામકાજ સાથે સંકળાયેલા છે. એકની એક દીકરીના મોતથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.

વધુમાં તેમના સંબંધીએ કહ્યું હતું કે હેપ્પી ગઈકાલે બપોરે ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટમાં છેલ્લો દિવસ હોવાથી જવાની ન હતી પણ તેની બહેનપણીના લીધે તે ત્યાં ગઈ હતી અને આખરે તેને કાળ ભરખી ગયો હતો.

કોઈએ ફ્રેન્ડશિપ બેલ્ટ પરથી તો કોઈએ કાંડે બાંધેલા ધાગા પરથી વ્હાલસોયાઓને શોધ્યા
ઘટનાને સાંભળીને પરિવારજનોને ચક્કર આવી ગયા છતાં હિંમત એકઠી કરીને સ્મિમેર દોડ્યા પણ ત્યાં ભડથું થયેલા બાળકોના દેહનાં ઢગલામાંથી પોતાની વ્હાલસોયી દિકરી-દિકરાને કેમ શોધવી? બાળકોના શરીર પર જે થોડા ઘણા કપડાં દેખાતા હતા એના પરથી જ અન્ય મા-બાપની આંખો પણ પોતાના બાળકોને જ શોધી રહી હતી. જેમાંથી કોઈ હાથ પરની ઘડિયાળ જોઈને ઓળખવાનો પ્રયાસ કરતું હતું તો કોઈ હાથ પર બાંધેલા ધાગા કે ફ્રેન્ડશિપ બેલ્ટ જોઈને પોતાના લાડકવાયાઓને શોધી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું કંપાવનારું હતું કે, પિતા સુરેશભાઈએ એક ખૂણામાં ગમગીન બનીને પોક મૂકીને રડી પડ્યા હતા. તેમાંના ઘણા માતા-પિતાએ તો ભારે હૈયે કોલસો થયેલા મૃતદેદેહ પોતાના માનીને સ્વીકારી લીધા હશે…કારણ કે ઓળખ શક્ય જ ન હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.