ધરમપુરના માકડબન નદીના કિનારેથી ત્રણ દિવસ અગાઉ પાંચ વર્ષની બાળકીની લાશ મળી હતી. પોલીસે વોટ્સએપ અને સોશિયલ મીડિયામાં મૃતક બાળકીનો ફોટો છાત્રાલય સંચાલકો, દરેક ગામના સરપંચોને મોકલી ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. બાળકીની ઓળખ બાદ હાથ ધરેલી તપાસમાં મૃતક બાળકીની માતાએ પોતાની જ પુત્રી અને પુત્રને નદીમાં ધક્કો મારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.
પતિથી કંટાળીને તેમની સાથે રહેવા માગતી ન હોવાના કારણે આ પગલું ભર્યુ હોવાનું માતાએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે. પાંચ વર્ષની પુત્રીની લાશ મળી હતી. જ્યારે ત્રણ વર્ષનો બાળક હજુ પણ લાપતા છે. કપરાડા પોલીસે બે સંતાનની હત્યા કરનાર માતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરના ઢાંકવળના બંગલા ફળિયાના જીતુભાઇ ઝુલાભાઈ સાપટા ગત મંગળવારે અન્યો સાથે ગામની પાર નદીમાં માછલી પકડવા ગયા બાદ સાંજે પાંચ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. સાંજે છ વાગ્યે પત્ની તુળસીબેન આશરે પાંચ વર્ષીય પુત્રી છનીશા અને આશરે ત્રણ વર્ષીય પુત્ર આદિત્ય સાથે કપરાડા તાલુકાના વેરીભવાડા ગામની પાર નદીના પુલ પાસે ઊભી હોવાની જાણ થતાં જીતુભાઇ બાઈક પર બેસી વેરીભવાડા પુલ પાસે જઈ તપાસ કરતા પત્ની કે બાળકો મળ્યા ન હતા. જેથી કોઈ સગાને ત્યાં બાળકોને લઇ પત્ની ગઇ હોવાનું માની જીતુભાઇ ઘરે પરત આવી ગયા હતા. બીજા દિવસે પણ સગા સહિત ગામની આજુબાજુમાં આદરેલી શોધખોળમાં તેઓની કોઈ ભાળ મળી ન હતી. ગુરુવારે સરપંચે ફોનમાં બતાવેલા મૃત બાળકીના ફોટાને લઇ જીતુભાઇને તેમની દીકરીની ઓળખ થઈ હતી.
શનિવારે ધરમપુરના મોટીકોરવળથી મળી આવેલી પત્નીને ઘરે લઈ આવી સરપંચ સહિત આગેવાનોએ બંને સંતાનો બાબતે તેણીની પૂછપરછ કરી હતી. ત્યારે પત્ની તુળસીબેને પતિ જીતુભાઇને જણાવ્યું કે, તારી સાથે રહેવાની નથી અને તારાથી કંટાળી ગઈ હોવાથી મંગળવારે બપોરે બંને સંતાનોને વેરીભવાડા પાર નદીના કિનારે ચાલતી લઈ ગઈ હતી. સાંજે છથી સાત વાગ્યાના અરસામાં બ્રિજ ઉપરથી પાર નદીમાં બંને બાળકોને પાણીમાં ધક્કો મારી દીધો હતો. બંને બાળકો પાણીમાં તણાઇ ગયા હતા. ત્યારબાદ તેણી મોટી કોરવડ જતી રહી હતી.
પતિ જીતુભાઇ સાપટાએ પત્ની તુળસીબેને તેમના બંને સંતાનોને વેરીભવાડાની પાર નદીમાં નાખી દઈ મારી નાખ્યા હોવાની ધરમપુર પોલીસ મથકે આપેલી ફરિયાદને લઇ પોલીસે હત્યાનો ગુનો ઝીરો નંબરથી દાખલ કરી કપરાડા પોલીસ મથકે ટ્રાન્સફર કર્યો હતો. બંને માસુમો પૈકી પાંચ વર્ષની પુત્રી છનીશાની લાશ માકડબન ગામના પાઠસળી ફળિયામાંથી પસાર થતી પાર નદીના કિનારેથી મળી આવી હતી. જે અંગે ધરમપુર પોલીસ મથકે અજાણી બાળકીની લાશ બાબતે જાહેરાત નોંધાઇ હતી. જ્યારે આશરે ત્રણ વર્ષીય આદિત્યની હજી સુધી કોઈ ભાળ મળી નથી.
માકડબન નદીમાંથી બુધવારે મળેલી અજાણી બાળકીની લાશ અંગે ધરમપુર પોલીસે તાલુકાના અંતરીયાળ વિસ્તારની આશ્રમ શાળાઓના સંચાલકો સહીત ઉપરવાસના ગામોના સરપંચોનો સંપર્ક કરી વોટ્સએપ પર મૃત બાળકીનો ફોટો મોકલી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત વોટસઅપ અને સોશિયલ મીડિયામાં પણ ફોટો વાયરલ કરતા મોટી ઘટના પ્રકાશમાં આવી શકી છે.
- ઘટના કપરાડા તાલુકાના વેરીભવાડા ગામની હદમાં બની છે. હત્યારી તુલસી બે બાળકો કેવી હાલતમાં પાણીમાં ફેંક્યા છે કોઈનું પણ હદય કંપી જાય એવી ઘટના છે. હાલમાં પુત્રી લાશ મળી છે પરંતુ પુત્રની લાશ હજુ મળી નથી. નદી અને દરિયા કાંઠે પોલીસના માણસો શોધખોળ માટે મુક્યા છે. હત્યારી તુલસીને ઝડપી પાડી છે. આ અધમકૃત્ય પાછળ કોઈનો હાથ છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે.
- ડી.આર. ભાદરકા, કપરાડા. પીએસઆઈ
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.