પાટણ જિલ્લામાં રૂ. ૩૫૨૫.૫૦ લાખના ૨૦૯ કામોનું લોકાર્પણ

રૂ. ૧૦૧૪.૫૦ લાખના ૧૧૭ કામોનું ખાતમુહૂર્ત

મુખ્યમંત્રીશ્રી દ્વારા વીડીયો કોન્ફરન્સના માધ્યમથી શિક્ષણ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર વિભાગ હસ્તકના રૂા.૬૬૬ કરોડના વિવિધ પ્રોજેકટોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કાર્યક્રમ કે.ડી.પોલીટેકનીક, પાટણ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા વિવિધ પ્રોજેકટોના લોકાર્પણને ખુલ્લા મુકવામાં આવ્યા છે. માન.નરેન્દ્રભાઇ મોદીએ ર૦૦૧ માં ગુજરાતની ધુરા સંભાળી તેમના શાસન કાળમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ પ્રગતિ કરી હતી. કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવ ઉત્સવો થકી દિકરા-દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ ખુબજ વધ્યુ છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે નવી એક ઓળખ ઉભી કરી છે. રાજય સરકાર હર હંમેશ ખેડૂતના પડખે ઉભી રહી છે. ખેડૂતો માટે નર્મદા અને સુજલામ-સુફલામ કેનાલો મારફતે ખેતી અને પીવાના પાણી પુરાપાડી ખેતી ક્ષેત્રે નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી છે. કેનાલના પ્રકલ્પોથી ૯ હજાર કરોડના ઉત્પાદનો માંથી ૧.૨૫ લાખ હજાર કરોડનું ઉત્પાદન મેળવ્યું છે. જે રાજય સરકારની મોટામાં મોટી સિધ્ધી છે. રાજય સરકારે આરોગ્યની ચિંતા કરી દરેકને આરોગ્યની સેવા ઉપલબ્ધ બનાવી છે. શાળા ખાતે આરોગ્ય કેમ્પ યોજી દરેક બાળકોને આરોગ્યની તપાસણી હાથ ધરવામાં આવે છે. બાળક આંગણવાડીમાંથી દાખલ થાય અને શિક્ષણ પૂરૂ કરે ત્યાં સુધી તેના માટે શિક્ષણ, આરોગ્ય, પુસ્તકો, ગણવેશ, શિક્ષ્યવૃત્તિની ચિંતા કરે છે. પાટણ જિલ્લો યોજાનાર લોકાર્પણથી ગુજરાતના વિકાસમાં સહભાગી બનશે. શિક્ષણક્ષેત્રે ભૈતિક અને માળખાકીય સુવિધા માટે રાજય સરકાર હંમેશા કટીબધ્ધ રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા શિક્ષણને ખુબજ મહત્વ આપવામાં આવી રહ્યું છે. લાંબું જીવવા માટે બાળકોમાં શિક્ષણનું વાવેતર કરવા પ્રજાને અનુરોધ કર્યો હતો. અને કૃષિક્ષેત્રે ખુબજ ભાર મુકયો છે. યુવા પેઢીની રોજગારી માટે ટેકનીકલ શિક્ષણ તેમજ વોકેશન ટ્રેનીંગ ખુબજ જરૂરી હોય છે. જે સ્કીલ ઇન્ડિયા દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. રાજય સરકારની શિક્ષણક્ષેત્રની અનેક યોજનાઓથી પાટણ જિલ્લો શિક્ષણહબ બની રહ્યો છે.
આ પ્રસંગે કે.સી.પટેલે જણાવ્યું હતુ કે, કે.ડી.પોલીટેકનીકલ પાટણનું ઘરેણું છે. તેના વિદ્યાર્થીઓએ દેશમાં સારી જોબ, ઉદ્યોગક્ષેત્રે, વિદેશક્ષેત્રે ખુબજ પ્રગતિ મેળવી છે. અને પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ લોકાર્પણો પાટણના વિકાસમાં સહભાગી બનશે.
પાટણ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂા.૧૦૦૦.૫ લાખના પ્રાથમિક શિક્ષણના ૧૧૫ વર્ગ ખંડનું ખાતમુહૂર્ત, રૂા.૧૬૯૬.૫ લાખના ૧૯૫ વર્ગખંડોનું લોકાર્પણ રૂા.૮૩૫ લાખના માધ્યમિક શિક્ષણના ૫ વર્ગ ખંડોનું લોકાર્પણ, આઇ.સી.ડી.એસ. યોજના હેઠળ રૂા.૧૪ લાખના ૨ વર્ગ ખંડોનું ખાતમુહૂર્ત અને રૂા.૪૯ લાખના ૭ વર્ગ ખંડોનું લોકાર્પણ કે.ડી.પોલીટેકનીક, પાટણ ખાતે રૂા.૫૨૩ લાખના ખર્ચે તૈયાર થયેલ લેબોરેટરી વિંગ, રૂા.૪૨૨ લાખના ખર્ચે તૈયાર થયેલ એકેડેમિક બિલ્ડીંગ એમ કુલ રૂા.૯૪૫ લાખના ૨ મકાનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ, પાટણ જિલ્લામાં કુલ રૂા.૫૫૫૪.૫૦ લાખના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રી અને મહાનૂભાવો દ્વારા પાટણ જિલ્લાના વિશિષ્ટ સિધ્ધી મેળવેલ વિદ્યાર્થીઓને મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવેલ હતા. અને મુખ્ય મંત્રીશ્રી દ્વારા પાટણ જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરી પ્રશ્નોત્તરી કરી હતી.
આ કાર્યક્રમમાં પાટણ સાંસદશ્રી લીલાધરભાઇ વાઘેલા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઇ પ્રજાપતિ, સંગઠનના પ્રમુખ મોહનભાઇ પટેલ, નગર પાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઇ.ચા.શ્રી દિનેશભાઇ પરમાર, નિવાસી અધિક કલેકટર બી.જી.પ્રજાપતિ, કે.ડી.પોલીટેકનીકલના પ્રિન્સીપાલશ્રી જે.એમ.જોષી, કિરીટ ખમાર, અધિકારીગણ, શિક્ષકગણ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, આંગણવાડી બહેનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.