વડોદરાના બિલ નામના ગામ પાસે ટ્યુશન ક્લાસ ચલાવતા દંપતીને સગીરા સાથે માંજલપુર પોલીસ શોધીને પાછી વડોદરા લઇ આવી હતી. પોલીસે સગીરાના અપહરણ અને એટ્રોસિટીના ગુનામાં દંપતીની ધરપકડ કરી છે. પરંતુ સગીરા તેના માતા-પિતા પાસે જવા તૈયાર નથી.

મળતી માહિતી અનુસાર વડોદરા નજીક આવેલા બિલ ગામ નજીક કશ્યપ પટેલ અને કવિતા પટેલ ઓમ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા. ગામમાં રહેતા મનહરભાઇની 17 વર્ષીય દિકરી છેલ્લા 4 વર્ષથી આ ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી. તે દરમિયાન કશ્યપ પટેલ અને તેની પત્ની સાથે મનહરભાઇને પારિવારીક સબંધો બંધાયા હતા.

વિદ્યાર્થિનીએ માતા-પિતા તેને વધારે પ્રેમ ન કરતા હોવાની વ્યથા જણાવી હતી. અને તેઓ મદદ નહીં કરે તો આપઘાત કરી લેવો પડશે તેમ જણાવ્યું હતું. અને વિદ્યાર્થિની સતત મૂંઝાતી રહેતી હતી. 29 મેના રોજ કશ્યપ પટેલ તેની પત્ની કવિતા પટેલ સગીરાને લઇને અંબાજી જવા માટે રવાના થયા હતા. અંબાજી પહોંચતા જ 30 મેના રોજ દિકરીએ પિતાને ફોન કરી વાત કરી હતી. પરંતુ તે દિવસ ફોન આવ્યાં પછી દિકરીનો ફોન પણ બંધ થઇ ગયો અને કશ્યપ અને કવિતાનો પણ ફોન બંધ થઇ ગયો હતો.

અંબાજીથી દંપતી સગીરાને લઇને નાસિક ગયું હતું. જ્યાં મકાન ભાડે રાખીને રહેવા લાગ્યું હતું. જ્યાં દંપતી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરવા લાગ્યું હતું. અને સગીરા મોલમાં નોકરી કરતી હતી. બે દિવસ સુધી દિકરીનો કોઇ પત્તો ન લાગતાં પરિવારે તેની શોધખોળ હાથ ધરી પરંતુ કોઇ સગળ મળી ન હતી. જેથી આખરે સગીરાના પિતા મનહરભાઇએ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરીયાદ નોંધાવી હતી.

માંજલપુર પોલીસ સગીરા અને ટ્યુશન ક્લાસના સંચાલક દંપતિની શોધખોળ હાથ ધરી હતી. હવે છેક 5 મહિના બાદ પોલીસને માહિતી મળી હતી કે, દંપતિ અને સગીરા નાસિક ખાતે છે. જેથી પોલીસ નાસિક પહોંચી ગઇ હતી અને જ્યાં દંપતિ અને સગીરા મળી આવ્યા હતા. પોલીસ તેઓને વડોદરા લઇ આવ્યા હતા.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.