મળતી માહિતી અનુસાર વરસાદથી 113 ગામમાં વીજપુરવઠો ખોરવાયો, કુલ 3479 જેટલા વ્યક્તિનું સ્થળાંતર – વડોદરા, જામનગર, અમદાવાદમાં એર ફોર્સની ટીમ બચાવ કામગીરી માટે તૈયાર: NDRFની 20 જેટલી ટીમ એલર્ટ કરાઇ
ગુજરાત
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૦૬ તાલુકામાં મેઘમહેર થઇ છે અને જેમાંથી ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં સૌથી વધુ ૧૯.૫૨ ઈંચ વરસાદ પડયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ૨૦ ટીમને એલર્ટ કરવામાં આવી છે.
રાજ્યમાં ભારે વરસાદને કારણે વીજળી પડતા ૧૦, પાણીમાં ડૂબવાથી ૧૧, અન્ય કારણથી ૯ એમ કુલ ૩૦ માનવ મૃત્યુ નોંધાયા છે. જોકે, વરસાદને કારણે મૃત્યુનો બિનસત્તાવાર આંક ખૂબ જ વધારે હોવાનું મનાઇ રહ્યું છે. આ ઉપરાંત કુલ ૧૨૫ પશુઓ ભારે વરસાદથી મૃત્યુ પામ્યા છે.
રાજ્યમાં પાણી પુરવઠા દ્વારા પાણીની અછત ધરાવતા કુલ ૩૯ તાલુકાના ૧૪૭ ગામમાં ૧૯૩ ટેન્કર દ્વારા પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.
આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાહત નિયામક-અધિક સચિવ એમ.આર. કોઠારીના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગૂ્રપ કમિટિની મીટિંગ યોજાઇ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ૨૦ ટીમ એલર્ટ કરાઇ છે. જેમાંથી તાપી, વલસાડ, સુરત, બનાસકાંઠા, રાજકોટ, મહિસાગર, નવસારી, ભાવનગર, પંચમહાલ-ગોધરા, અરવલ્લી-મોડાસા, અમરેલી, ગાંધીનગર, જૂનાગઢમાં ૧-૧, ગીર સોમનાથમાં ૪, વડોદરામાં ૩ ટીમ તૈનાત કરાઇ છે. વડોદરા, જામનગર, અમદાવાદમાં વાયુદળની ટીમ બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવી છે. હાલમાં કુલ ૩૪૭૯ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વરસાદને કારણે ભાવનગર જિલ્લામાં ૧૮, જામનગરમાં ૩, દેવભૂમિ દ્વારકામાં ૪૪, ગીર સોમનાથમાં ૩૪, જૂનાગઢમાં ૬, કચ્છમાં ૮ એમ કુલ ૧૧૩ ગામમાં વીજપુરવઠો ખોરવાયો છે. આ વીજપૂરવઠો શક્ય તેટલી ઝડપી શરૃ કરવામાં આવશે તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં કુલ ૨ નેશનલ હાઇ વે, ૧૨ સ્ટેટ હાઇ વે, ૨૦૨ પંચાયત હસ્તકના, અન્ય ૧૩ એમ કુલ ૨૨૯ રસ્તાઓ બંધ છે.