પાટણ : આનંદ સરોવરમાં ગટરના ગંદા પાણી છોડાતા વિવાદ

શહેરીજનો નાં આરોગ્ય ને નુકસાન કરતા પાટણ શહેર નાં ઐતિહાસિક આનંદ સરોવર માં છોડાતાં ગટરના ગંદા પાણી ન છોડવા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ને વિપક્ષના નેતા ભરત ભાટીયા દ્વારા ગુરૂવારના રોજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

વિપક્ષના નેતા દ્વારા કરાયેલી રજૂઆતમાં તેઓએ જણાવ્યું હતુ કે પાટણ શહેર ના સિદ્ઘપુર ચાર રસ્તા તરફ ભૂગર્ભ ગટર ના તમામ મેઈન હોલ તથા આઈસીઓ ભરેલી છે. આ ગટર ના પાણી નો કોઈ નિકાલ પાલિકા તરફથી ન હોવા ના કારણે આ વિસ્તાર ના રહીશો ખૂબ જ પરેશાન થાય છે.જેના કારણે આ વિસ્તારના ઘણા રહીશોએ તેમના ઘર બાર છોડી અન્ય સ્થળે રહેવા જવાની ફરજ પડી છે.

ત્યારે આધારભૂત સૂત્રો તરફથી માહિતી મળી છે કે આ વિસ્તારમાં પાલિકા દ્વારા નવીન ગટર લાઇન ની કામગીરી ચાલુ કરવામાં આવી છે જે સારી બાબત છે પણ પાટણ શહેરના રહીશો ના આરોગ્ય સાથે છેડ છાડ કરી ને સિદ્ઘપુર ચાર રસ્તા તરફના ભરાયેલા ભૂગર્ભ ગટર ના પાણી તેની બાજુમાં આવેલ વરસાદી પાણી ની સ્ટ્રોમ વોટર લાઈન મારફતે પાટણ શહેર ના ઐતિહાસીક તળાવ આનંદ સરોવર માં નાખવાની હિલચાલ ચાલી રહી છે તે તદ્દન ખોટું છે.

પાટણ નગર ના સારા અને લોકહિત ના કામમાં વિપક્ષના સભ્યો હંમેશા સહકાર આપે છે પણ લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરી ને કોઈ પણ કામ કરવા માં આવશે તેનો વિપક્ષના સભ્યો દ્વારા પાટણ ના હિત માટે વિરોધ રહેશે.

ત્યારે સિદ્ઘપુર ચાર રસ્તા તરફ ભરાયેલી તમામ ભૂગર્ભ ગટર લાઇન ના ગંદા પાણી પાટણ ના આનંદ સરોવર મા ન છોડવા અને આ અંગે યોગ્ય સૂચના આપવામાં આવે તેવી રજૂઆત ભરત ભાટીયાએ કરી હોવાનું જણાવી જો ભુગર્ભના ગંદા પાણી ઐતિહાસિક આનંદ સરોવરમાં ઠાલવવામાં આવશે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ શહેરીજનોને સાથે રાખીને જળ આહુતિ તરીકે ભાજપ પક્ષના મોવડી મંડળના ફોટાઓની આહુતિ આપવાની ચિમકી પણ પીટીએન ન્યુઝ મારફતે આપી હતી.